Friday 15 May 2009

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે ...

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે…

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !… તારી બાંકી રે…

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

વીજળીને ચમકારે ... - ગંગાસતી

વીજળીને ચમકારે મોતી પરોવો રે પાનબાઇ !
અચાનક અંઘારા થાશે જી...
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ,
એકવીસ હજાર છસો કાળ ખાશે જી…
વીજળીને ચમકારે ...

જાણ્યા જેવી આ તો અજાણ છે રે વસ્તુ!
અધૂરિયાને નો કે’વાય જી ...
આ ગુપત રસનો ખેલ છે અટપટો ને,
આંટી મેલો તો સમજાય જી …
વીજળીને ચમકારે ...

માન મેલીને તમે આવો રે મેદાનમાં!
જાણી લિયો જીવની જાત જી ...
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી ...
વીજળીને ચમકારે ...

પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ રે પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ જી...
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...
વીજળીને ચમકારે ...

Thursday 14 May 2009

આપણા મલક ના માયાળુ માનવી ...

આપણા મલક ના માયાળુ માનવી
માયા મેલીને વયા જાવ મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા દાતણ દાડમી
દાતણિયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા નાવણ કુંડીયા
નાવણીયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા ભોજન લાપસી
ભોજનીયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા પોઢણ ઢોલિયા
પોઢણીયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

Wednesday 13 May 2009

વારતા રે વારતા . . .

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા
એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરરરર…માડી!

Monday 11 May 2009

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . - કવિ દાદ

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

દીકરો મારો લાડકવાયો … - કૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે
દીકરો મારો લાડકવાયો…

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે
દીકરો મારો લાડકવાયો…

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે
દીકરો મારો લાડકવાયો…

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે
દીકરો મારો લાકડવાયો…

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે
દીકરો મારો લાડકવાયો…

કાળજા કેરો કટકો મારો . . . - કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

મન મોર બની થનગાટ કરે ... - ઝવેરચંદ મેઘાણી

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને
મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે
મોર બની થનગાટ કરે . . .

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે
નવે ધાનભરી મારી સીમ ઝૂલે
નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકઐને મેંડક મેંહસું નેહસું બાત કરે
ગગને ગગને ગુમરાઇને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે . . .

નવ મેઘ તણે નીલ આંજણિયે મારા ઘેઘૂર નૈન ઝગાટ કરે
મારા લોચનમાં મદઘેન ભરે
મારી આતમ લે’ર બિછાત કરે
સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે
ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેન નિલાંજન-ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે . . .

ઓલી કોણ કરી લટ મોકળીયુ ખડી આભ-મહોલ અટારી પરે
ઊંચી મેઘ-મહોલ અટારી પરે
અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ-પાલવડે
કરી આડશ કોણ ઉભેલ અરે
ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે
ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે ખડી મે’લ પરે
મન મોર બની થનગાટ કરે . . .

નદીતીર કેરા કુણા ઘાસ પરે પનિહાર એ કોણ વિચાર કરે
પટ-કુળ નવે પાણી-ઘાટ પરે
એની સુનમાં મીટ મંડાઇ રહી
એની ગાગર નીર તણાઇ રહી
એને ઘર જવા દરકાર નહી
મુખ માલતીફૂલની કુંપળ ચાવતી કોણ બીજા કેરૂં ધ્યાન ધરે
પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે
મન મોર બની થનગાટ કરે . . .

ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુકની ડાળ પરે
ચકચૂર બની ફૂલ-ડાળ પરે
વીખરેલ અંબોડાના વાળ ઝૂલે
દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે
શિર ઉપર ફૂલ ઝકોળ ઝરે
એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે
ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે
મન મોર બની થનગાટ કરે . . .

મંદિર તારૂં વિશ્વ રૂપાળું . . .

મંદિર તારૂં, વિશ્વ રૂપાળું
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખનહારા રે

નહીં પુજારી, નહીં કોઈ દેવા
નહીં મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહિમા ગાતાં,
ચાંદો સૂરજ તારા રે

વર્ણન કરતા, શોભા તારી
થાક્યા કવિગણ સારા રે,
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરાં રે

કહેવતો - ૧

  • અધુરો ઘડો છલકાય ઘણો
  • બકરુ કાઢતા ઊંટ પેઠુ
  • કીડીને કણ ને હાથીને મણ
  • કુવામાં હોય તો હવાડા માં આવે
  • ખાળે ડુચાને દરવાજા ઉઘાડા
  • દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે
  • બાર વર્ષે બાવો બોલ્યો જા બેટા તેરા નખ્ખોદ જજો
  • મોરના ઇંડા ચીતરવા ન પડે
  • લગ્ને લગ્ને કુંવારો
  • વાર્યાં ના વરે, હાર્યાં વરે
  • શેઠની શિખામણ ઝાંપા સુધી
  • હાથના કર્યાં હૈયે વાગ્યાં

મારી હૂંડી સ્વીકારો મહારાજ . . . - નરસિંહ મેહતા

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી ...

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી ...

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી ...

રેહવાને નથી ઝુંપડી, વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી ...

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી ...

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી ...

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી ...

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી ...

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

આવકારો મીઠો આપજે રે . . . - દુલા કાગ

હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો, આપજે રે જી …
હે જી તારે કાને સંકટ કોઈ સંભળાવે રે,
બને તો થોડું, કાપજે રે જી …

માનવીની પાસે કોઈ, માનવી ન આવે રે…(૨)
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે
આવકારો મીઠો, આપજે રે જી …

કેમ તમે આવ્યા છો, એમ નવ કે’જે રે…(૨)
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે
આવકારો મીઠો, આપજે રે જી …

વાતું એની સાંભળીને, આડું નવ જોજે રે…(૨)
એને માથૂં એ હલાવી હોંકારો દેજે રે
આવકારો મીઠો, આપજે રે જી …

‘કાગ’ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે…(૨)
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે
આવકારો મીઠો, આપજે રે જી …

જનનીની જોડ . . .

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે … જનનીની

સંત કબીરના દુહા - 2

એવી વાણી બોલ્યે કે, મનનો ભાર ખોવાય;
આપણું તન શીતળ કરે, બીજાંને સુખ થાય

મોટો થયો તો શું થયું, જેવું ઝાડ ખજૂર;
પંથીને છાંયા નહિ, ફળ આવે બવ દૂર

પ્રભુ એટલું આપજે, જેમાં કુટુમ્બ સમાય;
હું ભુખ્યો ના સુવું, સાધુ ના ભૂખ્યો જાય

માંગવું મરણ સમાન છે, ના કોઈ માંગે ભીખ;
માંગવાથી મરવું સારું, આ સતગુરુની શીખ

કબીર ઉભો બજારમાં, માંગે બધાની ખેર;
ના કોઈની દોસ્તી, કે ના કોઈથી વેર

કબીર મન નિર્મળ કરો, જેવું ગંગા નીર;
પાછળ-પાછળ હરી ફરે, કહિ કબીર કબીર

પોથી ભણીને જગ મર્યુ, પંડિત થયો ન કોઈ;
અઢી અક્ષર પ્રેમના, જે ભણે તે પંડિત હોઈ

હંસલા હાલો રે હવે . . .

હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
આ'તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે . . .

ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે'તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે ...
મોતીડાં નહી રે મળે . . .

વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે...
મોતીડાં નહી રે મળે . . .

Sunday 10 May 2009

કૈલાસ કે નિવાસી . . .

એક બિલી પત્રમ એક પુષ્પમ, એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ, ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ, જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ
============================================================

કૈલાસ કે નિવાસી, નમુ બાર બાર હું (૨)
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

ભક્તોકો કભી તુમને શીવ નિરાશ ના કિયા
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દીયા
બડા હૈ તેરા દાયજા, બડા દાતાર તું (૨)
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગધાર મુક્તિદ્વાર, ૐકાર તું (૨)
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

ક્યા ક્યા નહીં દીયા ભોલે ક્યા પ્રમાણ દે
બસ ગયે ત્રિલોક શંભુ તેરે હી નામસે
ઝહર પીયા જીવન દિયા, કિતના ઉદાર તું (૨)
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

તેરી કૃપા બિના ન હિલે એક હી અણુ
લેતે હૈ શ્વાસ તેરી દયાસે તનુ તનુ
કહે દાદ એકબાર, મુઝકો નિહાર તું (૨)
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું

કૈલાસ કે નિવાસી, નમુ બાર બાર હું (૨)
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું

Friday 8 May 2009

ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો રે . . .

ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
હે મનાવી લેજો રે..
હે ઓધાજી મારા વા’લાને વઢીને કે’જો જી,
માને તો મનાવી લેજો રે..

મથુરાના રાજા થ્યા છો,
ગોવાળોને ભૂલી ગ્યા છો,
માનીતી ને ભૂલી ગ્યા છો રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

એકવાર ગોકૂળ આવો,
માતાજી ને મ્હોંઢે થાવો,
ગાયો ને હંભારી જાઓ રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

વા’લાની મરજીમાં રહેશું,
જે કહેશે તે લાવી દેશું,
કુબજા ને પટરાણી કેશું રે..
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

તમે છો ભક્તોના તારણ,
એવી અમને હૈયા ધારણ,
ગુણ ગાયે ભગો ચારણ,
હે ઓધાજી.. માને તો મનાવી લેજો રે..

આજનો ચાંદલિયો . . .

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

તારા રે નામનો છેડ્યો એક તારો,
હું તારી મીરાં તું ગિરધર મારો…
આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી,
આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી;
જોજે વિખાય નહીં શમણાનો માળો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

દો રંગી દુનિયાની કેડી કાંટાળી,
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી?!
લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો,
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો…

Thursday 7 May 2009

દુહા - કવિ દાદ


માયા અને મમતા તણા જેને રુદે ન લાગ્યા રોગ
એવા સંત સમરવા જોગ, દિવસ ગતાં દાદભા

જગ ઉથડકી જાય પણ જેના ઠરેલ મન થડકે નહીં
એવા અણડગ અવનીમાં, મેં દીઠાં થોડા દાદભા

શિવાજીનું હાલરડું - ઝવેરચંદ મેઘાણી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના'વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના'વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

સંત કબીરના દુહા

ભૂંડું જો જોવા હું ચાલ્યો, ભૂંડું ન મળ્યું કોઈ,
મન ખોલ્યું જ્યાં મારું, મારાથી ભૂંડું ન કોઈ

કબીર તારી ઝુંપડી, ભલે પાપીને પાસ,
જે કરે તે ભરે, તું કેમ થયો ઉદાસ

કબીર ગર્વ ન કરવો, ઊંચો જોઈ આવાસ,
મર્યે કબરમાં જ પોઢવું, ઉપર ઉગે ઘાસ

માથું મુંડાવી દિવસો ગયા, હજી ન મળ્યા રામ,
રામ રામ કરી શું થાય, જે મન છે બીજાં કામ

વાળે શું બગાડ્યું એને મુંડે સો વાર,
મન કેમ ન મુંડ્યે, જેમાં વસે વિકાર

માયા મરી ન મન મર્યુ, મરી મરી ગયુ શરીર,
આશા તૃષ્ણા ન મરી, કહી ગયા દાસ કબીર

કાલ કરવાનું આજ કર, આજનું કર અત્યારે,
પળમાં પ્રલય આવશે, કરમ કરીશ ક્યારે?

કાઠીયાવાળી દુહા


ઉજ્જડ કેડા ફરી વસે, નિર્ધની મા ધન હોય,
ગયા જોબન ન સાંપડે, મુવા ન જીવે કોય.

પહાડે પહાડે મણી નહી, ચંદન વન વન ન્હોય,
કોક જ દેશ કસ્તુરીયો, સતી ઘેર ઘેર ન્હોય.

ધનકું ઊંડા નવ ધરે, રણમેં ખેલે દાવ,
ભાગી ફોજા ભેળવે, તાકું રંગ ચડાવ.

ભલ ઘોડો, વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
જાજી ફોજું માં જીકવા, મરવું એકજ વાર.

ઘર આંગણીયે રોજ તડકો છાંયડો હોય,
સુખ દુઃખ ના વારા નહી, બચી શકે ના કોય.

પીપળ પાન ખરત, હસતી કુંપળીયા,
અમ વીતી તમ વીતશે, ધીરી બાપુડીયા.