Friday 15 May 2009

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે ...

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું ! … તારી બાંકી રે…

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તમતમતું રે ,
મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી,
હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી,
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા, તને અમથું !… તારી બાંકી રે…

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !… તારી બાંકી રે…

વીજળીને ચમકારે ... - ગંગાસતી

વીજળીને ચમકારે મોતી પરોવો રે પાનબાઇ !
અચાનક અંઘારા થાશે જી...
જોતજોતાંમાં દિવસ વયા ગયા પાનબાઇ,
એકવીસ હજાર છસો કાળ ખાશે જી…
વીજળીને ચમકારે ...

જાણ્યા જેવી આ તો અજાણ છે રે વસ્તુ!
અધૂરિયાને નો કે’વાય જી ...
આ ગુપત રસનો ખેલ છે અટપટો ને,
આંટી મેલો તો સમજાય જી …
વીજળીને ચમકારે ...

માન મેલીને તમે આવો રે મેદાનમાં!
જાણી લિયો જીવની જાત જી ...
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી ...
વીજળીને ચમકારે ...

પિંડ બ્રહ્માંડ્થી પર છે ગુરુ રે પાનબાઇ !
તેનો દેખાડું હું તમને દેશ જી...
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી...
વીજળીને ચમકારે ...

Thursday 14 May 2009

આપણા મલક ના માયાળુ માનવી ...

આપણા મલક ના માયાળુ માનવી
માયા મેલીને વયા જાવ મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા દાતણ દાડમી
દાતણિયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા નાવણ કુંડીયા
નાવણીયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા ભોજન લાપસી
ભોજનીયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

આપણા મલક મા પોઢણ ઢોલિયા
પોઢણીયા કરી ઘોડે ચડજો મારા મેરબાં ..
હાલો ને આપણા મલક મા ...

Wednesday 13 May 2009

વારતા રે વારતા . . .

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા
એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરરરર…માડી!

Monday 11 May 2009

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી . . . - કવિ દાદ

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી,
ગાર્યું કરે ગોરા હાથવાળી;
ગોપીયું ચીતરી, કાનુડો ચીતર્યો,
ચીતર્યા ગોપ ને ગોવાળી……ભીંતડિયું …

ખરબચડા જેવી તું ઊભી’તી ખોરડે,
અટૂલી ને ઓશિયાળી;
ચૂડિયુંવાળા હાથે છંદાણી તું,
સુખણી થઇ ગઇ સુંવાળી……ભીંતડિયું …

ઘૂંઘટામાંથી બા’રે મોઢાં ન કાઢતી,
ન પેનીયું કોઇએ નિહાળી;
પદમણી તારી દેયું પંપાળે,
હેમ સરીખા હાથવાળી……ભીંતડિયું …

ધોળી તે ધૂળના છાંટા ઊડ્યા જાણે,
તારલે રાત્ય અજવાળી;
ચાંદની જેમ તને ચારે દશ્યુંએ,
ઓળીપો કરીને ઉજાળી……ભીંતડિયું …

પસીનો લૂછતાં ઓઢણી પડી ગઇ,
લજવાણી લાજાળી;
ભાવ ભરેલી એ દેહમાં ભાળી તેં,
રેખાઉં હરિયાળી……ભીંતડિયું …

‘દાદ’ કરમની દીવાલ ઊઘડી,
કોણે નમાવી ડાળી;
જડે ચેતનના પ્રતિબિંબ ઝીલ્યાં ઇ,
વાત્યું છે વીગતાળી…

ભીંતડિયું કેવી તમે ભાઇગશાળી
ગાર્યું કરે ગોરા હાથવાળી.

દીકરો મારો લાડકવાયો … - કૈલાસ પંડિત

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે
દીકરો મારો લાડકવાયો…

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે
દીકરો મારો લાડકવાયો…

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે
દીકરો મારો લાડકવાયો…

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે
દીકરો મારો લાકડવાયો…

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે
દીકરો મારો લાડકવાયો…

કાળજા કેરો કટકો મારો . . . - કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો